– જિલ્લાના આશરે ૨૪૦૦ રોજગારવાંચ્છુ યુવાઓને તક : ઔદ્યોગિક એકમો સહિતના ૬૦ નોકરીદાતા ઉપસ્થિત રહ્યા
ભરૂચ,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવા યાત્રા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી ભરૂચ તેમજ નર્મદા દ્વારા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એસ.વી.એમ.આઈ.ટી કોલેજના પટાંગણ ખાતે કલસ્ટર કક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાધ્યો હતો.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા દીપ પ્રાગટ્ય થકી રોજગાર ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિવિધ કંપનીઓને ભરૂચ અને નર્મદા જિલ્લાના આઈટીઆઈ (ITI) તથા અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકોની જરૂરિયાત હતી.આ તકો આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા પૂરી પાડવામાં આવી છે.આ સાથે જ તેમણે રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને અધિકાર મળે અને તેમના કૌશલ્યને નિખાર મળવાની સાથે તેમની મનપસંદના ક્ષેત્રમાં રોજગારી મળી રહે તે માટે વિઝન આપ્યું છે.
ભરતી મેળામાં ધોરણ ૧૦થી લઈને ગ્રેજ્યુએટ,બી.ઈ. (મિકેનિકલ,ઈલેક્ટ્રિકલ), એમ.કોમ. અને એમ.બી.એ (માર્કેટિંગ) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.ભરતીમેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી ૬૦થી વધુ કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભરતી મેળામાં ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સુરક્ષિત અને કાયદેસર સ્થળાંતર, પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તેમજ સ્વરોજગાર માટેની લોન અને સહાય યોજનાઓ, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે જ વ્યવસાયલક્ષી તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને ઓનલાઈન રોજગારીની તકો અંગે કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ભરૂચ અને નર્મદા જિલ્લાના ઉમેદવારોએ રોજગાર ભરતી મેળાનો લાભ લીધો હતો.આ રોજગાર ભરતી મેળામાં ૨૪૦૦થી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી હતી.ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ અને કોલેજના આચાર્ય સહિત અન્ય મહાનુભાવો તેમજ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




