– નિવૃત્ત થતા તલાટી હસ્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું
ભરૂચ,
આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે ૩૦ વર્ષ સુધી ફરજ બજાવી હતી.તેમના સેવાકાળ દરમ્યાન તેમણે આમોદ તાલુકામાં ૨૦ વર્ષ, જંબુસર તાલુકામાં ૫ વર્ષ અને ઝઘડિયા તાલુકામાં ૨ વર્ષ ફરજ બજાવી હતી. વિવિધ સ્થળોએ ફરજ દરમિયાન તેમણે કર્તવ્યનિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામગીરી કરી હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું.
વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન, ઝઘડિયા તાલુકાના વાસણા ગામના સરપંચ જિગ્નેશ વસાવા, કેરવાડા ગામના આગેવાન સંજયસિંહ રાજ સહિત આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અર્પણ કરી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.દોરા ગામમાં ગ્રામજનોએ તેમની સેવાઓની પ્રશંસા કરી તેમને ફૂલહાર પહેરાવી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. વિદાય સમારંભમાં ચતુરભાઈ વાઘેલાના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાના સેવાકાળની કામગીરીને બિરદાવી હતી. તેમણે નિવૃત્તિ બાદ પણ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા તેમજ પોતાના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે રીતે માર્ગદર્શન અને સહયોગ આપવા અપીલ કરી હતી.તેમણે ચતુરભાઈને નિવૃત્તિ પછીના જીવન માટે તંદુરસ્તી અને સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી સરકારી સેવામાં રહીને જવાબદારીપૂર્વક ફરજ બજાવવી એ પોતાનામાં ગૌરવની બાબત છે. ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા તેમણે સૂચન કર્યું હતું.
વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.સમારંભના અંતે ચતુરભાઈ વાઘેલાને ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.




