– 7 ફાયર ફાઈટરોની મદદથી આગ કાબૂમાં લેવાના પ્રયાસો : જાનહાની કે ઈજાના પ્રાથમિક કોઈ અહેવાલ નહિ
ભરૂચ
દહેજની ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી.
કંપનીના વેરહાઉસમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.જેને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે હાલ 7 જેટલા ફાયર ફાઈટરો સતત કામગીરી કરી રહ્યા છે. હાલ આગ નિયંત્રણ હેઠળ છે અને આગામી બે કલાક જેટલા સમયમાં તેને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવશે.
વેરહાઉસમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ટેકસ્ટાઈલ્સ યાર્નના જથ્થાને લઈ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ફાયર વિભાગ દ્વારા કૂલિંગ કામગીરી પૂર્ણ થયા બાદ આગ લાગવાના મુખ્ય કારણો અને થયેલા નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.




