– કરિયાણું લઈને પાછા ફરતા ૬૦ વર્ષીય વૃદ્ધને થાપાના ભાગે ફેક્ચર : ઝઘડિયા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરની ચોકડી નજીક આઈ.ટી.આઈ. તરફ જવાના રસ્તા પાસે હાઈવે રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કરિયાણું લઈને ઘરે પરત ફરી રહેલા ૬૦ વર્ષીય વૃદ્ધને એક ટેન્કરે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાડી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય હારૂનભાઈ દાઉદભાઈ મન્સુરી ગત તારીખ ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ૬:૩૦ વાગ્યાના અરસામાં ઝઘડિયા ચોકડી ખાતે આવેલી દુકાનેથી કરિયાણું ખરીદીને પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.દરમ્યાન રોડનું બાંધકામ ચાલતું હોવાથી વાહનો ઊભા હતા અને હારૂનભાઈ રસ્તો ઓળંગી રહ્યા હતા.તે સમયે રાજપારડી તરફથી આવી રહેલા એક ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી હારૂનભાઈને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.ટેન્કરનું આગળનું ટાયર દબાઈ જતાં હારૂનભાઈને ડાબા હાથે,હથેળી,ખભા, છાતી તેમજ કુખના ભાગે શરીર પર છોલાટો પડી ગઈ હતી.ઉપરાંત ડાબી બાજુના થાપાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ એમ્બ્યુલન્સ મારફતે પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ખાતે લઈ ગયા હતા જ્યાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તનું નિવેદન લેવામાં આવ્યું હતું.પોલીસે ટેન્કરના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.ઝઘડિયા પંથકમાં છાસવારે સર્જાતા અકસ્માતોને લઈને લોકો ચિંતિત બન્યા છે.અકસ્માતની આ ઘટનાને લઈને અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.




