ઝઘડિયાના ત્રણ રસ્તા નજીક ફોર વ્હિલર કારના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા બે યુવકો ઘવાયા

SHARE:

– વંઠેવાડના બે યુવકો મોટરસાયકલની પીયુસી કઢાવવા ઝઘડિયા જઈ રહ્યા હતા તે દરમ્યાન રસ્તામાં અકસ્માત નડ્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકની હદ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પીયુસી કઢાવવા જઈ રહેલા બે યુવકોને પૂરઝડપે આવેલી એક ફોરવ્હિલર ગાડીના ચાલકે જોરદાર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને અકસ્માત સર્જી ફોર વ્હિલરનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

 ​અકસ્માતની વિગત મુજબ ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામના પટેલ ફળિયામાં રહેતો અને ખાનગી નોકરી કરતો જેનીશભાઈ દિનેશભાઈ પટેલ નામનો ૨૧ વર્ષીય યુવક તારીખ ૮ ઓક્ટોબરના રોજ બપોરે અઢી-પોણા ત્રણ વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને તેના મિત્ર મેહુલભાઈ મહેન્દ્રભાઈ વસાવા સાથે મોટરસાયકલની પીયુસી કરાવવા માટે ઝઘડિયા જઈ રહ્યો હતો.તે દરમ્યાન ઝઘડિયા વીજ કચેરી નજીક પહોંચતા ઝઘડિયા ત્રણ રસ્તા તરફથી આવતી એક ફોરવ્હિલર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુવકની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.

​અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ સવાર બંને યુવાનો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.આ અકસ્માતમાં જેનીશભાઈના જમણા પગના નળાના ભાગે ગંભીર ફેક્ચર થયું હતું તેમજ જમણા ઘૂંટણ, કમર, જમણો હાથ અને કોણી તથા પીઠના ભાગે ચામડી છોલાઈ જવાની ઈજાઓ થઈ હતી.જ્યારે સાથે રહેલા મિત્ર મેહુલભાઈને પણ પગના પંજામાં, ઘૂંટણના ભાગે,ચહેરા તથા જમણા હાથની આંગળીઓમાં ચામડી છોલાટની ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ પણ ફોર વ્હિલરનો ચાલક રોકાયો ન હતો અને વાહન ઊભું રાખ્યા વગર જ વાલિયા તરફ પૂરઝડપે ગાડી ભગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે આજુબાજુના લોકો ભેગા થઈ જતા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જયા પ્રાથમિક સારવાર બાદ મેહુલભાઈને રજા આપવામાં આવી હતી, જ્યારે જેનીશભાઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.

 ​આ બનાવ અંગે ઈજાગ્રસ્ત જેનીશભાઈ પટેલની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ફોર વ્હિલર ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!