ભરૂચ,
શ્રાદ્ધ પક્ષના પવિત્ર અવસર પર સર્વપિતૃઓની સંતુષ્ટિ અર્થે દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે “સમૂહ સર્વપિતૃ તર્પણ” કાર્યક્રમનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું હતું.ભાદરવા વદ અમાસ અને શનિવારી અમાસના પવિત્ર દિને મહર્ષિ ભૃગુઋષિના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટનો સરાહનીય સહયોગ સાંપડ્યો હતો.
શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ મનુષ્ય પર દેવઋણ, આચાર્ય ઋણ અને પિતૃઋણ રહેલા છે. શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે કરવામાં આવતી ભક્તિ જ શ્રાદ્ધ છે. આ પ્રસંગે જાણીતા કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦થી વધુ યજમાનોએ હાજરી આપી પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ ધાર્મિક આયોજનમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના રવિન્દ્રભાઈ હિન્દીયા અને પિયુષભાઈ વીણ,શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત સહિત રાજકુમાર દુબે, જયેશ પુરોહિત અને જયેન્દ્ર ભટ્ટ સહિતનાઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યને સફળ બનાવ્યો હતો.




