– જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણેએ મતદાન મથકોની મુલાકાત લઈ BLOs ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું
– ૧૮ થી ૧૯ વર્ષના નવયુવાનોને નામ નોંધાવી લોકશાહીના પર્વમાં જોડાવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ
– આગામી ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરે ખાસ ઝુંબેશના વિશેષ દિવસો
ભરૂચ,
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે ખાસ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં પાત્રતા ધરાવતા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈપણ લાયક નાગરિક નોંધણીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં SIR ની કામગીરી પૂર્ણ થયા બાદ, સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા નાગરિકો અને ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના યુવા તેમજ પ્રથમ વખત લાયક બનતા મતદારો માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તારીખ ૧૧મી ઓક્ટોબર, ૧૮મી ઓક્ટોબર, ૨૫મી ઓક્ટોબર અને ૧લી નવેમ્બર ૨૦૨૬ ના રોજ વિશેષ દિવસોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝુંબેશના પ્રથમ દિવસે આજે રવિવારે તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLOs) સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથક પર ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં તેમણે નામ નોંધણીથી બાકી રહી ગયેલા અને પ્રથમ વખત પાત્ર બનેલા નાગરિકો પાસેથી જરૂરી આધાર-પુરાવા સાથેના હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારી જરૂરી કાર્યવાહી હાથધરી હતી. આ ખાસ ઝુંબેશ હેઠળ નામ નોંધણી માટે કોઈપણ પ્રકારના ડિક્લેરેશન ફોર્મ ભર્યા વિના જ ફોર્મ સ્વીકારવાની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમ્યાન ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ આજે સ્વયં સ્થળ તપાસ અર્થે પટેલ વેલ્ફર ડેન્ટલ કોલેજ મતદાન મથક અને ઇકરા એજ્યુકેશન સંકુલ ખાતે આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે બૂથ લેવલ અધિકારીઓ (BLOs) ની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી, તેમજ નવું નામ નોંધાવવા આવેલા યુવાનો અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ ૧૮ થી ૧૯ વર્ષના નવયુવાનોને આગળ આવીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી લોકશાહીના આ મહાપર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી છે.




