વાગરાના પીપલિયા ગામ નજીક કાળમુખા કન્ટેનરે બે બાઈકને અડફેટે લેતા એક મહિલાનું કરુણ મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અકસ્માતોની હારમાળા વચ્ચે પીપલિયા ગામ નજીક વધુ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.વાગરાથી દહેજ તરફ જઈ રહેલું GJ-16-AV-0773 નંબરનું કન્ટેનર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેકાબૂ બની પલટી મારી ગયું હતું.આ દરમ્યાન કન્ટેનરે રસ્તા પરથી પસાર થતી બે બાઈકને પણ અડફેટે લીધી હોવાની માહિતી સામે આવી છે.અકસ્મતની આ ગંભીર ઘટનામાં એક મહિલા કન્ટેનર નીચે દબાઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે,જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.અચાનક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.અકસ્માતગ્રસ્ત કન્ટેનરને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બીજી તરફ, ઘટનાની જાણ થતાં વાગરા પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.હાલ અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે. કન્ટેનર ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના સર્જાઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.પીપલિયા નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ભારે વાહનોની બેફામ અવરજવર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.એક પરિવાર માટે આ અકસ્માત ક્યારેય ન પૂરાય તેવી ખોટ અને અસહ્ય વેદના છોડી ગયો છે.ઘટનાને લઈ વાગરા પોલીસે આગળની વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!