– ભરૂચ શહેરમાં ૨૦૧૩-૧૪ માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના ૨૦૨૫ માં પણ અધૂરી
– પાલિકા દ્વારા ગટર ટેક્ષ લેવામાં આવતા નાગરિકોમાં રોષ : વિપક્ષ દ્વારા રજૂઆત
– સોફ્ટવેરમાં પ્રોબ્લેમ આવતા આ સમસ્યા સર્જાય છે જેનું નિરાકરણ લાવવામાં આવે છે : પાલિકા પ્રમુખ
ભરૂચ,
ભરૂચ શહેરમાં વર્ષ ૨૦૧૪ માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના ૨૦૨૫ માં પણ હજુ સુધી અધૂરી કામગીરી છે તેમ છતાં પાલિકા દ્વારા ટેકસમાં લેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.જેના કારણે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં વર્ષ ૨૦૧૪ માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના ૨૦૨૫ માં પણ હજુ સુધી અધૂરી જ રહી છે.જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.૧૩ વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે અને આજદિન સુધી આશરે માત્ર ૩૩,૦૦૦ કનેક્શન આપવામાં આવ્યા છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઈન જ નાખવામાં આવી નથી, જેના કારણે ત્યાં ગટર કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી.તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને ૫૦૦ ના વેરાની નોટીસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે નાગરિકોએ વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી સહિતના નગરસેવકોને રજૂઆત કરતા સમગ્ર મામલો ગરમાતા શહેરમાં આ યોજના ફરીથી ચર્ચાનો વિષય બની છે.
નગરપાલિકાની કામગીરી સામે ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે સત્તાધીશોએ એનકેન રીતે લોકો પાસેથી ખોટા નાણાં ઉઘરાવવાનું શરૂ કર્યું છે.ભૂગર્ભ ગટર યોજનામાં સોસાયટી વિસ્તારોમાં કનેક્શન આપવામાં ન આવ્યા હોય,ખુલ્લા પ્લોટો,ઉપર નીચે મકાન હોય તેવા લોકોને હાઉસ ટેક્ષમાં ૫૦૦ રૂપિયાનો ઉમેરો કરી પહોંચાડવામાં આવ્યા છે. પાલિકા વિસ્તારમાં ૫૫ હજાર મિલ્કત ધારકોને હાઉસ ટેક્સના બિલો મોકલી અંદાજીત એક થી દોઢ કરોડના ખોટા અને બોગસ બિલો પહોંચાડવામાં આવ્યા છે.વારંવાર રજૂઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું.છતાં પેટનું પાણી હલતું નથી.લોકોને હેરાન કરવા અને ધક્કા ખવડાવવાની મણસા રાખી રહ્યા છે અને તમામ બિલો રદ્દ કરી નવા બિલો આપવાની રજૂઆત કરી હતી.
પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે નિવેદન આપતાં કહ્યું કે અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ જેટલા કનેક્શન નું જોડાણ થઈ ગયું છે.સોફ્ટવેરમાં ખામી સર્જાતા ઉપર નીચે તેમજ ખુલ્લા જમીનના પણ વેરા આવ્યા છે.જેને સુધારવા માટેન પ્રયત્નો ચાલુ છે.લોકોને તકલીફ ના પડે તે માટે તાત્કાલિક બિલમાં સુધારો પણ કરી આપવામાં આવે છે.




