– સોનેરી મહેલ ખાતે મેળામાં આવેલ યુવકને અગાઉના ઝઘડાની અદાવતે માર માર્યો જ્યારે શ્રવણ ચોકડી નજીક શોભાયાત્રામાં થયેલ ઝઘડાની અદાવતે એક યુવકને માર માર્યો
(જયશીલ પટેલ)
ભરૂચ ખાતે મારામારીની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ગુના દાખલ થયા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ માંથી મળતી વિગતો મુજબ ભરૂચ રાજીવનગર નંદેલાવ રોડ પર રહેતો ધ્રુવભાઈ હરેશભાઈ ચણાવાળા નામનો ૨૨ વર્ષીય યુવક તા.૧૮ મીના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સમયે નંદેલાવ રોડ પર બાપા સીતારામ મઢુલી નજીક એક દુકાન પર બેઠો હતો.તે દરમ્યાન ઉમેશ અને કેફ નામના બે યુવકો ત્યાં આવ્યા હતા અને ત્યાર બાદ ઉમેશ સિગારેટ પીતાપીતા રોડ ઉપર પેસાબ કરતો હતો.તે સમયે ધ્રુવની સંબંધી બે મહિલાઓ સામેથી આવતી હોઈ ધ્રુવભાઈએ ઉમેશને આ સ્થળે પેશાબ કરતા ટોક્યો હતો.જેથી ઉમેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો.જેથી ધ્રુવભાઈએ ઉમેશને ગાલ પર તમાચો માર્યો હતો.ત્યાર બાદ સાડા નવ વાગ્યાના અરસામાં ધ્રુવ તેના મિત્ર સાથે સોનેરી મહેલ મેળામાં ગયો હતો.તે દરમ્યાન ઉમેશ કેફ અને તેનો બીજો કોઈ મિત્ર ત્યાં આવ્યા હતા અને અગાઉના ઝઘડાની રીશ રાખીને ધ્રુવ સાથે ઝઘડો કર્યો હતો.આ ઝઘડા દરમિયાન ધ્રુવને ચપ્પુ મારી દેતા તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.ધ્રુવભાઈની ફરિયાદ મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસે ઉમેશ કેફ અને તેમના અન્ય એક મિત્ર મળી કુલ ત્રણ યુવકો સામે ગુનો દાખલ કર્યો હતો.જ્યારે અન્ય ઘટના મુજબ ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતો દેવભાઈ રાજેશભાઈ વસાવા નામનો યુવક તા.૧૭ મીના રોજ તેના મિત્રો સાથે રાતના દસ વાગ્યાના સમયે શ્રવણ ચોકડી ખાતે ગણેશજીની શોભાયાત્રા જોવા ગયો હતો.ત્યારે તે દરમિયાન કૌશિક રહે.પાલેજ નિમેશ રહે.સમની તા.આમોદ,નયન રહે.સમની તા.આમોદ તેમજ અર્જુન રહે.વરેડિયા તા.ભરૂચના (જેમના પુરા નામ જણાયેલ નથી)ત્યાં આવ્યા હતા અને તા.૧૫ મીના રોજ ઝાડેશ્વર ખાતે શોભાયાત્રામાં થયેલ સામાન્ય ઝઘડાની રીશ રાખીને ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા હતા.આ ઝઘડા દરમ્યાન અર્જુને તેના હાથ પર પહેરેલ કડુ માથાના ભાગે મારી દીધું હતું.તેમજ દેવભાઈના મિત્ર સાથે પણ ઝપાઝપી કરી હતી.ત્યાર બાદ મારી નાંખવાની ધમકી આપીને તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા.આ ઝઘડામાં દેવભાઈ અને તેના મિત્રોને ઈજા થઈ હઈ તેઓ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા.આ ઘટના સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત ચાર યુવકો કૌશિક,નિમેશ,નયન તેમજ અર્જુન સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




