ભરૂચ,
ધાર્મિક વિધિ અને કાળા જાદુના નામે ભોળા નાગરિકોને છેતરી લાખો રૂપિયાના દાગીના અને રોકડ પડાવતી વોન્ટેડ મહિલા આરોપીને અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાલેજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગત જુલાઈ ૨૦૨૫ માં એક ફરિયાદીને પેટમાં દુખાવાની તકલીફ હોવાથી, તેમણે નવા બોરભાઠા ગામની પુષ્પાબેન વસાવા નામની મહિલાનો સંપર્ક કર્યો હતો.આ મહિલાએ ‘પોતાનામાં માતાજી આવે છે’ તેવી ભ્રામક વાતો ફેલાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.વિધિ કરવાના બહાને ફરિયાદીના સોનાના દાગીના પર ‘મેલી વિદ્યા’ હોવાનું કહી, બે સોનાની ચેઈન અને એક સોનાની વીંટી કઢાવી લીધી હતી.આ ઉપરાંત, રોકડ ૨૦,૦૦૦ રૂપિયા અને બજાજ કાર્ડ પર ૧૫,૦૦૦ ના બેડની ખરીદી કરાવી કુલ રૂ. ૪,૪૪,૫૦૦ ની છેતરપિંડી આચરી હતી.
આ ગુનો નોંધાયા બાદ મહિલા આરોપી ધરપકડથી બચવા માટે અલગ-અલગ જિલ્લાઓમાં નાસતી ફરતી હતી.ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાની સૂચના હેઠળ “એ” ડિવિઝન પી.આઈ. પી.જી. ચાવડાએ ખાસ ટીમ બનાવી તપાસ હાથધરી હતી.
તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પુષ્પાબેન વસાવા પાલેજ પાસેના શાનપુરા ગામે રોકાયેલ છે.જેના આધારે પોલીસે દરોડો પાડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ ૩૧૮(૪) (છેતરપિંડી) ગુજરાત કાળો જાદુ અટકાવવા અને નિર્મૂલન બાબત અધિનિયમ ૨૦૨૪ ની કલમ ૩(૨) મુજબની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.




