– રવિરાજ જાડેજા ૧૩ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ અચાનક જ તબિયત લથડતા પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો
– મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાતા ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો
– પોલીસ ભરતીના ઈન્ચાર્જ એસઆરપીના કમાન્ડર પણ દોડી આવી પરિવારને સાંત્વના આપી
ભરૂચ,
ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા દરમ્યાન દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની અચાનક તબિયત લથડી હતી.જોકે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટસન ભૃગુઋષિ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમ્યાન કચ્છના ૨૫ વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતી માટે આવ્યો હતો.જે ૧૩ રાઉન્ડ દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેનું મોત નિપજ્યું હતું.મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એસઆરપીના કમાન્ડર સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટસમાં બે મોતના પગલે ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારો તેમજ મૃતકના પરિવારજનો સહિત પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.




