ભરૂચ જીલ્લા પંચાયત,9 તાલુકા પંચાયત અને 4 પાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતા વહીવટદારોની નિમણુંક

SHARE:

– હવે જનતાના શાસનને બદલે વહીવટદારો ચલાવશે પાલિકા, પંચાયતો અને જીલ્લા પંચાયત

– જીલ્લા પંચાયતની 34 બેઠક, 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો, 4 પાલિકાઓની 132 બેઠકો પર ચૂંટણી યોજાશે 

ભરૂચ,

ગુજરાતના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.ભરૂચ જીલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત સહિત 4 મહત્વની નગરપાલિકાઓ ભરૂચ,અંકલેશ્વર,જંબુસર, આમોદમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતાં હવે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનું શાસન પૂરું થયું છે અને તેની જગ્યાએ સરકારી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.આ ફેરફાર સાથે, નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી નહિ થાય ત્યાં સુધી હવે વહીવટદારો જ પાલિકાની તમામ ધૂરા સંભાળી છે.મુદ્દત પૂર્ણ થતાં જ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓએ તેમના સરકારી વાહનો સરકારમાં જમા કરાવી દીધાં છે. વહીવટી સરળતા ખાતર,રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકામાં મામલતદારને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે,જ્યારે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર નગરપાલિકામાં પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપાઈ છે.નગરપાલિકા અધિનિયમ મુજબ, પાલિકાના સભ્યોની મુદ્દત પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ચાલુ વહીવટી ફરજો, સરકાર દ્વારા નિર્દિષ્ટ અધિકારી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ ન આવે ત્યાં સુધી બજાવશે.સાથે જ પ્રમુખ, ઉપપ્રમુખ સાથે વિવિધ શાખાના ચેરમેનોની પણ નામ પ્લેટ કાઢવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા પંચાયતમાં વહીવટ દાર તરીકે કલેકટર ગૌરાંગ મકવાણાની નિમણુંક કરવામાં આવી છે તો સાથે 9 તાલુકા પંચાયતો માં ભરૂચ,અંકલેશ્વર,જંબુસર, ઝઘડિયા,વાગરા,આમોદ,વાલિયા,નેત્રંગ અને હાંસોટ પંચાયતમાં પ્રાંત અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવતા હવે ત્યાં પણ વહીવટદારો નું સાશન ચાલશે.

માત્ર નગરપાલિકાઓ જ નહીં પરંતુ રાજ્યમાં અનેક મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતમાં પણ પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદાર શાસન લાગુ થઈ ગયું છે.આ કાયદાકીય જોગવાઈ અનુસાર જ આ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણીની જાહેરાત હજુ સુધી થઈ નથી. આમ, ચૂંટણી યોજાઈ અને નવી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી, આ મહત્વની નગરપાલિકાઓનો વહીવટ સરકારી અધિકારીઓના હાથમાં રહેશે, જે જનપ્રતિનિધિઓના શાસનથી એકદમ અલગ હશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!