– છાત્રાલયમાં થતી સાફસફાઈ અને સુવિધાઓનું નિરીક્ષણ કરાયું
ભરૂચ,
ભરૂચ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર દ્વારા સરકારી કન્યા છાત્રાલય, ભરૂચ અને સરકારી કુમાર છાત્રાલય, વડદલાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની સુવિધાઓ અને વ્યવસ્થાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવાનો હતો.
મુલાકાત દરમ્યાન પ્રાયોજના વહીવટદારે છાત્રાલયોમાં હાલમાં ચાલી રહેલી LPG ગેસ કનેક્શનની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.રસોડામાં ગેસ સુરક્ષા અને ઈંધણની સુવિધા અંગે જરૂરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.વધુમાં તેમણે છાત્રાલયના રસોડા, ડાઇનિંગ હોલ અને વિદ્યાર્થીઓના રહેવાના રૂમોની સાફ સફાઈની જાતે ચકાસણી કરી હતી.વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સ્વચ્છતાના ધોરણો જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
નિરીક્ષણના અંતે છાત્રાલયના વહીવટ અને વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ પૂરી પાડી હતી. આ મુલાકાતથી છાત્રાલયના કર્મચારીઓમાં સતર્કતા જોવા મળી હતી અને વહીવટીતંત્ર દ્વારા છાત્રાલયની સુવિધાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




