– સમશાદઅલી સૈયદના જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પર રાજ રમતના ગંભીર આક્ષેપો
ભરૂચ,
ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે.છેલ્લા બે દિવસથી ઉમેદવારી ફોર્મ અને મેન્ડેટને લઈને સર્જાયેલી ખેંચતાણ બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે.સમશાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
લાંબા વિવાદ બાદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા શમશાદ અલીએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક હોદ્દેદારોની સહમતિથી તેમની પસંદગી કરવામાં આવી હતી.સમશાદઅલીએ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે સંગઠનના કેટલાક હોદ્દેદારોએ પોતાની મનમાની ચલાવીને ‘મેન્ડેટ’ આપવામાં ગોટાળા કર્યા હતા.
વિવાદ વધતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાતોરાત પાંચ સભ્યોની સમિતિ ભરૂચ મોકલવામાં આવી હતી.જેણે અંતે આ વિવાદનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શમશાદ અલીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે અવરોધો ઊભા કરીને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તમામ વિવાદો વચ્ચે સમશાદઅલીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પક્ષના વફાદાર કાર્યકર છે અને રહેશે.તેમણે કોંગ્રેસના કાર્યકરોને એકઠા થઈને લડવા અને સંગઠનની આંતરિક ‘રાજરમત’ સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી.તેઓએ વિવાદિત અન્ય ઉમેદવાર કુતુબુદ્દીન પટેલને ભાઈ સમાન ગણાવી તેને બલિનો બકરો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેઓને પણ સાથે રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.




