ભરૂચમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન

SHARE:

ભરૂચ,

ભરૂચની એમ.કે.કોલેજના બહાર અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ABVP ગુજરાત પ્રદેશે પોર્ટલની ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી અંગે વારંવાર રજૂઆતો છતાં સુધારા ન થતા હવે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

ABVPના જણાવ્યા મુજબ GCAS પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ સામે આવી છે, જેના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે.ખાસ કરીને પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટી ઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધુ ફી ચૂકવી ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાનો વારો આવે છે.

સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 33 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં લગભગ 50 ટકા બેઠકો ખાલી રહી છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હોવાનું પણ ABVPએ જણાવ્યું છે.

ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં વોલ રાઈટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પરચા વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં દરેક જિલ્લા મુખ્ય મથકે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ સાથે ઉગ્ર ધરણા- પ્રદર્શન યોજી આંદોલન વધુ તેજ કરવામાં આવશે.

ABVPએ રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે, જેમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો, અથવા તો પ્રવેશ પ્રક્રિયાને ડીસેન્ટ્રલાઈઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી અને રજીસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા 300 રૂપિયાનો ઘટાડો અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!