(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયા તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ઝઘડીયા તાલુકાના તરસાલી ગામ નજીક રૂંઢ વિસ્તારમાં રાત્રે દીપડાએ પશુપાલકના તબેલામાં ઘૂસી એક વાછરડાનું મારણ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.જેથી વન વિભાગને જાણ કરતા પાંજરું મુકવામાં આવતા પાંજરા દીપડો પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી નજીના રૂંઢ ગામના પશુપાલક નજીરભાઈના તબેલામાં બાંધેલા પશુઓ પર દીપડાએ હુમલો કર્યો હતો અને એક વાછરડાને ખેંચી જઈ શિકાર બનાવ્યો હતો.તબેલાની આજુબાજુ રહેણાંક મકાનો હોવાને કારણે આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.જેથી ઝઘડીયા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. કામગીરી દરમ્યાન થોડાજ કલાકોમાં કદાવર દીપડો પાંજરામાં પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પાંજરા માં પુરાયેલ દીપડાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.દિપડો પાંજરે પુરાયાની જાણ વન વિભાગને કરવામાં આવતા સલામત રીતે દીપડાને ફોરેસ્ટ ઓફિસ ઝઘડીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો.ત્યાર બાદ તેને ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવ્યું હતું.




