ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન : ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી

SHARE:

– ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા

– રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઇવેન્ટનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન

ગાંધીનગર,

ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને પ્રોફેશન બનાવી રહ્યા છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભની નવતર પહેલ કરી હતી, જેનાથી રાજ્યના ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓ સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 7 મેએ વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસ, શિસ્ત અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસની થીમ ‘Sport: Building Bridges, Breaking Barriers’ છે, જે યુવાનોને મજબૂત બનાવવા અને ફિઝિકલ એક્ટિવિટીના માધ્યમથી સામાજિક જોડાણ તેમજ એકતા અને સમાનતાને પ્રોત્સાહન આપવામાં એથ્લેટિક્સની ભૂમિકા દર્શાવે છે.એથ્લેટિક્સને બેઝિક ઑફ ઓલ સ્પોર્ટ્સ કહેવાય છે એટલે કે, તે તમામ રમતોનો આધાર છે.

ગુજરાતમાં ખેલ મહાકુંભ પહેલ હેઠળ આયોજિત થતી એથ્લેટિક્સ સ્પર્ધા પણ આ જ વિઝનને સાકાર કરી રહી છે. આ પહેલના માધ્યમથી ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાનું મંચ મળી રહ્યું છે.

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓએ લીધો ભાગ

આ વર્ષે 16 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યના કુલ 9,383 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે આ સ્પર્ધાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 તેમજ ઓપન વય જૂથના 4,694 ભાઈઓ અને 4,689 બહેનોનો સમાવેશ થાય છે, જે રાજ્યમાં રમતગમત પ્રત્યે વધતી રૂચિ અને વ્યાપક ભાગીદારી દર્શાવે છે.

– દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઈવેન્ટનું આયોજન

ખેલ મહાકુંભ 2025ની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 30 મીટરથી 5000 મીટર દોડ, 80મી, 100મી, 110મી અને 400મી હર્ડલ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસ કૂદ, લંગડીફાળ કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, હેમર થ્રો, રીલે અને જલદ ચાલ જેવી કુલ 390 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મૅડલ અને ટ્રેકસૂટ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ખેલ મહાકુંભની પહેલથી ગુજરાત બન્યું રમતગમત ક્ષેત્રે અગ્રેસર

ખેલ મહાકુંભ પહેલના પરિણામે ગુજરાતને સરિતા ગાયકવાડ, મયુર માલવીયા, રુચિત મોરી અને મુરલી ગાવિત જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે. ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.જ્યારે મુરલી ગાવિતે 2019ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.ગુજરાત સરકાર આવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપીને રાજ્યને રમતગમતમાં અગ્રેસર બનાવવા પ્રતિબદ્ધ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!