– બપોરે રસ્તાઓ બન્યા સુમસામ, લોકો મગરના ભય વચ્ચે નર્મદા સ્નાનથી મેળવે છે ઠંડક
(ભાવેશ પંડયા,ભાલોદ)
ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.ગામમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વહેલી સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ થવા લાગી રહ્યો છે, જ્યારે બપોરના સમયે રસ્તાઓ અને બજારો સુમસામ બની જાય છે.
મે માસના પ્રારંભના દિવસોમાં સૂર્યદેવતા અગન વરસાવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આકરા ઉનાળાને કારણે લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે.ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત વર્ગ પણ ખેતીકામ દરમિયાન મોટા વૃક્ષોના છાંયડામાં આશરો લેતા જોવા મળી રહ્યા છે.
ગરમીથી રાહત મેળવવા લોકો સાંજના સમયે મગર ના ભય વચ્ચે નર્મદા નદીમાં સ્નાન કરી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ પશુ-પંખીઓ પણ ગરમીથી બચવા વૃક્ષો ઉપર આશરો લેતા નજરે પડે છે.માનવતા દાખવી લોકો પોતાના ઘરની બહાર માટીના કુંડામાં પાણી ભરી પશુ-પંખીઓ માટે રાખી રહ્યા છે જેથી તેમની તરસ છીપાવી શકાય.ગરમીના વધતા પ્રકોપ વચ્ચે ઠંડા પીણા, આઈસ્ક્રીમ છાશ અને ઠંડક આપતા પીણાંની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.




