ભરૂચ,
ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઈટ કાપ થવાને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડા ફળીયા, ડભોઇયાવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું તથા ડબીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહમદ નગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના નગરસેવક સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત સ્થાનિક સફી સલ્લુ,જાકીર કુરેશી અને ઈકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઈજનેરને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરવામાં આવી છે.




