ઝઘડિયાના બોરિદ્રા ગામે તસ્કરોનો આતંક : બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા ૧.૭૦ લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા

SHARE:

– મકાન માલિક મકાન બંધ કરીને નવસારી સંબંધીને ત્યાં ગયા તે દરમ્યાન તસ્કરો હાથફેરો કરી ગયા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીથી રાત્રી ચોરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાઇ છે.તાલુકાના બોરિદ્રા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું,અને મકાનમાંથી સોના ચાંદીના રૂપિયા ૧૭૦૦૦૦ ની કિંમતના દાગીના ચોરી ગયા હતા.

આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના બોરિદ્રા ગામે રહેતા ૬૫ વર્ષીય જેકોલબેન ઇશ્વરભાઇ મકવાણા નિવૃત્ત જીવન જીવે છે અને બોરિદ્રા ગામે એકલા રહે છે.દરમ્યાન નવસારી ખાતે તેમના ભાણેજ જમાઈ એક વર્ષ પહેલા ગુજરી ગયેલ હતા અને હાલ તા.૧૧ મીના રોજ તેમની વરસીનો પ્રસંગ હતો,તેથી જેકોલબેન તા.૧૦ મીના રોજ અંકલેશ્વર રહેતા તેમના ભત્રીજાને ત્યાં ગયા હતા અને બીજા દિવસે તા.૧૧ મીના રોજ તેમના ભત્રીજા અને તેની પત્ની સાથે નવસારી ગયા હતા.નવસારી ખાતે વરસીની વિધિ પતાવીને તે લોકો અંકલેશ્વર પાછા આવ્યા હતા.જેકોલબેન બે દિવસ અંકલેશ્વર ભત્રીજાને ત્યાં રોકાયા હતા,ત્યાર બાદ ગતરોજ તા.૧૩ મીના રોજ બોરિદ્રા ખાતેથી તેમના ભાડુઆતનો ફોન આવ્યો હતો અને તેમના મકાનમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું,જેથી જેકોલબેન અન્ય સંબંધીઓ સાથે બોરિદ્રા આવ્યા હતા.ત્યાં જઈને જોતા મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલ તથા દરવાજાનો નકુચો તુટેલા જણાયા હતા અને દરવાજાને મારેલ બે તાળા નીચે પડેલા હતા.ઘરમાં જઈને જોતા તિજોરીમાં મુકેલ સામાન વેરવિખેર પડેલો હતો.બીજી તિજોરીનું લોક પણ તુટેલું હતું.તપાસ કરતા તિજોરીમાં મુકેલ સોનાના બે મંગળસુત્ર,કાનના ઝુમ્મર એક જોડી,ચાંદીની ઝાંઝરી,ચાંદીના સાંકરા,સોનાની બંગડી તેમજ પાંચ હજાર રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા ૧૭૦૦૦૦ જેટલી કિંમતનો સામાન ચોરાયો હોવાની જાણ થઈ હતી.ચોરીની આ ઘટના સંદર્ભે ચોરીનો ભોગ બનનાર મકાન માલિક જેકોલબેન મકવાણાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!