– ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓને થશે રાહત
ભરૂચ,
હાલ રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે રસ્તા પર રખડતા ગાય, કૂતરા અને અન્ય અબોલ જીવો પાણી વિના ટળવળતા જોવા મળે છે.પશુ પક્ષીઓની આ કફોડી સ્થિતિને ધ્યાને રાખી ભરૂચ પાંજરાપોળ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, પાંજરાપોળ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માટે રાહત દરે વોટર પોર્ટ પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિશેષ ભરૂચ પાલિકાના નવનિયુક્ત નગરસેવકો વોર્ડ નંબર ૩ ના નગરસેવકો ભાવિન પટેલ, વિજય મકવાણા, રૂચિતા મોદી અને વિશ્રુતિ દૂધવાલા વોર્ડ નંબર ૮ ના નગરસેવક જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક કાજોલ વસાવાનું પાંજરાપોળના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આ જ નગરસેવકોના હસ્તે પ્રતીકાત્મક રીતે કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
પાંજરાપોળના સંચાલકોએ આશા વ્યક્ત કરી હતી કે શહેરની સોસાયટીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પર આ પાણીના કુંડા મુકાવાથી ગરમીના દિવસોમાં જાનવરોને પીવાનું પાણી સરળતાથી મળી રહેશે અને તેઓને મોટી રાહત થશે, નગરજનોને પણ આ સેવાયજ્ઞમાં જોડાઈ પોતપોતાના વિસ્તારમાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી.




