– સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર : નર્મદા પોલીસના કેટલાક પોલીસ કર્મીઓના નામ પણ પત્રમાં લખ્યા છે
– નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર થી નર્મદા જિલ્લામાં ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતી વાત પણ પત્રમાં કરી છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ફોટક નિવેદનો અને અવારનવાર રાજકીય અપસેટ સર્જવામા જાણીતા એ ઉપરાંત આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર લેટરબોમ્બ ફોડ્યો છે.આ વખતે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કરતો પત્ર સીધો ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે.જેમાં પત્રમાં નર્મદા જિલ્લામાં બેરોકટોક દારૂ વેચાતો હોવાની વાત કરી છે.નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાથ ગાંઠથી દારૂ જુગાર ના અડ્ડાઓ ચાલી રહ્યાની વાત કરી છે.નર્મદા પોલીસના કેટલાક પોલીસ કર્મીઓના નામ પણ પત્રમાં લખ્યા છે.
નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતી વાત પણ સાંસદે પત્રમાં કરી છે. એ ઉપરાંત દારૂ સપ્લાયમાં આવતા બધા જ પોલીસ સ્ટેશનના તથા પી એસ આઈની સંડોવણી હોવાનું સાંસદે પત્ર માં સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ કર્યો છે.જેમાં આમલેથા પોલીસ સ્ટેશન નું નામ ખાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.આ દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવતી હોવાની હકીકતની જાણ પર ગૃહમન્ત્રીને પત્ર દ્વારા કરી છે.
સાંસદે આ બાબતનો એક પત્ર એસ પી નર્મદાને રૂબરૂમાં આપ્યો પણ આપ્યો છે અને બીજો પત્ર સીધો ગૃહમન્ત્રીને કર્યો છે.સાંસદ ની અપીલ છે કે ” યુવાધન ખતમ થઈ રહયું છે બચાવી લેજો સાહેબ “એવું પણ પત્રમાં લખી યુવાધન દારૂના રવાડે ના ચડે એની ચિંતા વ્યક્ત કરી છે.
સાંસદે એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે જે અંગે બુટલેગર સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ ગંભીર આક્ષેપ ભાજપ નાજ સાંસદે કરતા ચકચાર મચી જવા પામી છે.
નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાઠગાઠથી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની ગંભીર ફરિયાદ સાંસદ મનસુખ વસાએ ગૃહ મંત્રીને કરતા નર્મદા પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ પેસી ગયો છે.નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રની બોર્ડરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલ વાળો ઈંગ્લીસ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે.જેમાં બધા જ રાજકીય પક્ષોના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ખાસ તો ડેડીયાપાડા સાગબારા તથા દારૂ સપ્લાયમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પોલીસ જવાનોનો પણ સહયોગ હોય છેએવો ગંભીર આક્ષેપ કરતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ત્યારે હવેગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ વડા કેવા એક્શન લે છે તે હવે જોવું રહ્યું.




