– શહેરની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એક બીજાને ઈદની મુબારકબાદી પાઠવી
ભરૂચ,
ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી.શહેરમાં વહેલી સવારે મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એક બીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ભરૂચ શહેર જીલ્લામાં ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરી હતી.ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા (બકરા ઈદ)નો તહેવાર મનાવવામાં આવે છે.વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરી નાના-મોટાઓ એક-બીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી.ઈદ-ઉલ-અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહુમ સ્વજનોની માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાતિયા પઢીને તેમને યાદ કર્યા હતા.
ત્યાર બાદ હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં કુરબાની કરી હતી.સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા- ફરવાના સ્થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.




