નેત્રંગના ધાણીખૂંટ ગામે રમપમ ધોધ ખાતે વધુ એક દુર્ઘટના : અંકલેશ્વરના 20 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામ નજીક કરજણ નદી પર આવેલા રમપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામના 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મરણજનાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકિમ શાહ (ઉ.વ. 20), રહે. અંસાર માર્કેટ, ગામ ભડકોદ્રા, તા. અંકલેશ્વર, જી. ભરૂચ પોતાના મિત્ર સાથે ધાણીખૂંટ ગામે આવેલા રમપમ ધોધ ખાતે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો. પરિણામે તે ધોધ નીચે આવેલા ઊંડા પાણીના ખાડામાં પડી ગયો હતો.

ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સાંજે 18:33 કલાકે તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય દરમ્યાન રમપમ ધોધ ખાતે ડૂબી જવાની એકથી વધુ દુર્ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી વ્યવસ્થાઓ કડક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!