નર્મદા કલેક્ટરનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ : “નાગરિક પ્રથમ”ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓનું નિરિક્ષણ કર્યું

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો પ્રજાલક્ષી અને સંવેદનશીલ અભિગમ વધુ એક વખત તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન જોવા મળ્યો હતો. સામાન્ય નાગરિકોની સમસ્યાઓને નજીકથી સમજવા અને સરકારી સેવાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે તે માટે કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી.

મુલાકાત દરમ્યાન સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધી તેમને મળતી આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્ટાફનો વ્યવહાર અને અન્ય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.દર્દીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી તેમની લાગણીઓ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

આ વેળાએ બંદરપૂરા વસાહતના એક વૃદ્ધ દર્દી, જે પાડોશીના હુમલાનો ભોગ બન્યા હતા, તેમની દીકરીની વ્યથા સાંભળીને કલેક્ટરે માત્ર એક અધિકારી તરીકે નહીં પરંતુ પરિવારના વડીલ સભ્યની જેમ તેમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વૃદ્ધ દર્દી અને તેમના પરિવારજનોને આશ્વાસન આપતાં તાત્કાલિક જરૂરી કાર્યવાહી માટે તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. કલેક્ટરની આ સંવેદનશીલતા જોઈ દર્દી પરિવારને હૂંફ અને ન્યાયની આશા મળી હતી.

માનવતાના આ અભિગમનું વધુ એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે આલમપૂરા ગામના પારૂલબેન ગીતમભાઈ તડવી હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા બાદ પોતાનું કામ પૂર્ણ થયા વિના જ બહાર નીકળતા હતા. કલેક્ટરે તેમને હોસ્પિટલ પરિસરમાંથી બહાર જતા જોઈ તરત જ પરત બોલાવ્યા અને મેડિકલ ઓફિસર ડૉ. શિલજા પટેલ સાથે રૂબરૂ મળાવી તેમનું કામ સત્વરે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. એક સામાન્ય નાગરિકની નાની લાગતી સમસ્યા પણ તેમના માટે મહત્વની છે તેવો સંદેશ આ ઘટનાથી સ્પષ્ટ થયો હતો.

કલેક્ટરે હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓના જથ્થાની સમીક્ષા કરી હતી તેમજ તમામ દવાઓ યોગ્ય તાપમાન અને વાતાનુકૂલિત જગ્યામાં જ સંગ્રહિત કરવામાં આવે તે માટે સૂચનાઓ આપી હતી. દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે દવાઓની સતત ઉપલબ્ધતા જાળવવા ભાર મૂક્યો હતો.

તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને તાલુકા કક્ષાએ જ શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી તેમને અનાવશ્યક રીતે અન્યત્ર રેફર થવું ન પડે કે ખાનગી હોસ્પિટલોમાં ખર્ચાળ સારવાર માટે જવું ન પડે. સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી પહોંચે અને કોઈ પરિવાર પર નાણાકીય બોજો ન આવે તે માટે દર્દીઓ અને તેમના સગાઓ સાથે મૈત્રીપૂર્ણ, સહાનુભૂતિપૂર્ણ અને સન્માનજનક વ્યવહાર રાખવા તેમણે ભારપૂર્વક સૂચના આપી હતી.વધુમાં હોસ્પિટલ અને પાર્કિંગ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે, દર્દીઓના સગા-સંબંધીઓને પણ બેસવા માટે પૂરતી અને સુવિધાજનક જગ્યા ઉપલબ્ધ રહે તેમજ હોસ્પિટલ પરિસરમાં માનવ ગૌરવને અનુરૂપ વાતાવરણ નિર્માણ થાય તે માટે પણ તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જિલ્લા કલેક્ટર.ગંગા સિંઘની આ મુલાકાત માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ તેમાં “નાગરિક પ્રથમ”, સંવેદના, જવાબદારી અને માનવતાના મૂલ્યોનો જીવંત પરિચય જોવા મળ્યો હતો. સામાન્ય નાગરિકોની પીડાને પોતાની જવાબદારી માની તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેવાનો તેમનો અભિગમ નર્મદા જિલ્લામાં લોકકેન્દ્રિત અને જનમૈત્રી વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

“સંવેદનાથી સેવા, સેવામાંથી વિશ્વાસ અને વિશ્વાસથી સુશાસન” – આ ભાવનાને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!