– પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો રૂપિયા ૩.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઇને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખરેઠા ગામના એક ખેતરમાંથી 3.84 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.તે અંતર્ગત નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ જશુભાઈને બાતમી મળી હતી કે ખરેઠા ગામનો બુટલેગર મહેશભાઈ ઉર્ફે ભુયો કુંવરજીભાઈ વસાવા પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.
મળેલી બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં ખરેઠા ગામના ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ડાંગરના પરાળના ઢગલા નીચે કાળી તાડપત્રીથી ઢાંકીને રાખવામાં આવેલી પ્લાસ્ટિકની ગુણીઓમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની 2406 નાની-મોટી વિદેશી દારૂની બોટલો, 5 બિયર ટીન તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ ₹3,84,595નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે મહેશભાઈ ઉર્ફે ભુયો કુંવરજીભાઈ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર પહીયાભાઈ તથા સપ્લાયમાં સંડોવાયેલા ભુપેન્દ્રભાઈ ઘીવાળા (રહે.ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નેત્રંગ પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




