– મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પહોંચી વિવાદિત સ્થળ મસ્જિદ હોવાના પુરાવા રજૂ કરવા તૈયારી બતાવી
– વાયરલ વિડીયોની હકીકત સામે તપાસનો વિષય બન્યો
– પુરાતત્ત્વ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ દરવાજો ખોલવાની પણ માંગ કરાઈ
ભરૂચ,
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા અને તે સંબંધિત વીડિયો-ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે.આ મુદ્દે આજે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવા પહોંચ્યા હતા.તેઓએ વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે સોશ્યલ મીડિયામાં જે ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તેની સત્યતા અને હકીકત અંગેની તપાસ સંબંધિત સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા થવી જોઈએ.કોઈ સત્તાવાર તપાસ પૂર્ણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવવી અને ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે.
જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આ સ્થળ જુમ્મા મસ્જિદ તરીકે જ અસ્તિત્વમાં રહેશે અને મસ્જિદની કાનૂની તથા ધાર્મિક સ્થિતિ અંગે કોઈ શંકાને સ્થાન નથી.ટ્રસ્ટના પ્રતિનિધિ ઓએ જણાવ્યું હતું કે કેટલાક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવી સમાજમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં માંગ કરી હતી કે વાયરલ થયેલા ફોટા અને વીડિયો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ કોઈપણ પ્રકારની ખોટી માહિતી ફેલાવી કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે,ગઈકાલે જામા મસ્જિદના ભોંયરા માંથી જૈન તીર્થંકર મલ્લિનાથ સહિત હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના હોવાના દાવા સામે આવ્યા હતા.આ ઘટનાના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.જોકે મૂર્તિઓની વાસ્તવિકતા તેનો ઈતિહાસ અને તે સ્થળ સાથેનો સંબંધ હજુ સુધી સત્તાવાર તપાસનો વિષય છે.
આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર,પુરાતત્વ વિભાગ અને કાયદો-વ્યવસ્થા જાળવનારી એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.બીજી તરફ વિવિધ સમાજોના આગેવાનો પણ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી રહ્યા છે જેથી કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેનું ધ્યાન રાખવાની જરૂર ઉભી થઈ છે.




