(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જાંબોઈ ગામ ની સીમ મા દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા.ત્યારે જાંબોઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. સદનસીબે નજીકમાં રહેલા શ્વાને દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો હતો.ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટર હિનાબેન પટેલ તેમજ ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા તેમજ દુ.વાઘપુરા ના સરપંચ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે.
આરએફઓ ચેતનાબેને જણાવ્યું હતું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળ નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે.દીપડાના હુમલાની આ ઘટનાએ રૂમાલપુરા અને આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે, ત્યારે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.




