– પાલિકાના 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
– આગમાં કોઈ જાનહાનિ નહીં પરંતુ ઝુંપડા બળીને ખાખ થતા ધરવખરીને નુકશાન
ભરૂચ,
ભરૂચના જે બી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા પાંચ જેટલા ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા.જેના કારણે મજુર પરિવારો બેઘર બન્યા છે.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ પરિવારોનો ઘરવખરીનો સામાન અને આશ્રય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારની સાવરે શહેરના જે બી મોદી પાર્ક નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પાંચથી વધુ ઝૂંપડાંને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે બે ફાયર ટેન્ડરો લઈ પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.જોકે આગમાં જાનહાનિ ટળી હતી.અસરગ્રસ્ત પરિવારો સામે હવે આશ્રયનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની તૈયારીમાં છે ત્યારે ઝૂંપડાં ગુમાવનારા આ પરિવારો માટે વરસાદી દિવસો પસાર કરવા મુશ્કેલ બનશે.રોજેરોજની મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવારોનો ઘરવખરી અને જીવનજરૂરી સામાન પણ આગમાં બળી જતાં તેમના માટે ફરીથી જીવન ગોઠવવાનો પડકાર ઉભો થયો છે.ત્યારે આશ્રય ગુમાવનારા આ ગરીબ પરિવારો માટે તાત્કાલિક મદદ અને પુનર્વસનની જરૂરિયાત ઊભી થઈ છે.




