– સુગરી વૃક્ષની ડાળી પર ખજુરી, ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ પર લટકતા સુંદર માળા જોતા જ મન મોહી જાય છે.આ અદ્દભુત કલાત્મક માળા બનાવનાર નાનકડું પક્ષી એટલે સુગરી.કુદરતે સુગરીને એવી અદભુત કળા આપી છે કે તે કોઈ કુશળ આર્કિટેક્ટ કરતાં ઓછી લાગતી નથી. તેના દ્વારા બનાવવામાં આવતા માળા માત્ર રહેવા માટે નહીં પરંતુ કુદરતી કળાનું જીવંત ઉદાહરણ માનવામાં આવે છે.
સુગરી સામાન્ય રીતે ખેતરો, નદીકાંઠા અને ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને ખજૂર, બોર અને બાવળ જેવા ઊંચા વૃક્ષો પર તે પોતાના માળા બનાવે છે.ઘાસના તણખલા, સૂકા પાન અને નરમ રેશા વડે ગૂંથાયેલું તેનું માળું ખૂબ મજબૂત અને આકર્ષક હોય છે.પવન અને ગરમી સામે સુરક્ષા મળે તે રીતે માળાનું નિર્માણ કરવામાં આવે છે.સામાન્ય રીતે સુગરી ચોમાસાની શરૂઆતમાં તળાવ કે કૂવા જેવી પાણી ભરેલી જગ્યા ઉપર કાંટાવાળા વૃક્ષની પાતળી ડાળી પર લટકતો રહે તે રીતે ગૂંથીને માળો તૈયાર કરે છે.આ રીતે લટકતો માળો તથા તેનો નાળ ચંબુ આકાર ખાસ કરીને સુરક્ષાના હેતુ માટે હોય છે. નર સુગરી વૃક્ષની ડાળી પર ખજુરી,ઘાસ કે તમખલાની શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે સુગરીના માળાની આંતરીક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બેનમૂન હોય છે.બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરીક વ્યવસ્થામાં આગવી સુઝ એ માત્ર સુગરીના માળામાં જોવા મળે છે. 2BHK ની જેમ સુગરિનો માળો અંદરથી બે ખંડોમાં વહેચાયેલો હોય છે.માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર,ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલ્કે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે.સુગરી મોટાભાગે કાંટાળા ઝાડ ઉપર ડાળીઓ ઉપર માળો બાંધે છે, જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકશાન ના કરી શકે.
– વરસાદ કે વાવાઝોડામાં પણ માળો સલામત
કોઈપણ જાતની આર્કિટેકની ડિગ્રી લીધા વિના પણ સુગરીનો ગૂંથેલા આ નાળ ચંબુ આકારના માળાની ગૂંથણી એટલી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે કે ગમે તેટલો વરસાદ કે વાવાઝોડુ હોય પાણી અંદર દાખલ થતું નથી અને માળો તૂટતો પણ નથી.એકવાર આ માળામાં બચ્ચા મોટા થઈ ઊડી જાય એટ્લે સુગરી માળો છોડી દે છે.આમ સુગરી દર વર્ષે પોતાના માટે નવો માળો ગૂંથે છે. સુગરી દ્વારા ત્યજી દેવાયેલ આવા માળા ઘણા પ્રકૃતિ પ્રેમીઓ તોડીને પોતાના ડ્રોઈંગ રૂમના સુશોભન તથા ગુડલક માટે ઉપયોગ કરે છે.




