વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વાહનોનું ભરૂચ આરટીઓ દ્વારા ચેકીંગ

SHARE:

– નિયમ ભંગ કરનાર 6 સ્કૂલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાતા 48,500 નો દંડ કરાયો 

ભરૂચ,

વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી માનતા ભરૂચ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનો સામે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ભરૂચ આરટીઓ કચેરીના એઆરટીઓ પી.આર.પઢીયારના સીધા માર્ગદર્શન હેઠળ શેરપુરા વિસ્તારમાં સ્કૂલવાન અને રિક્ષાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરટીઓ ઈન્સ્પેક્ટર એ.બી.રાણાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચેકિંગ દરમ્યાન RTOની ટીમને જોઈ કેટલાક નિયમભંગ કરનારા રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.જ્યારે પકડાઈ જવાની ભીતિ વચ્ચે કેટલાક વાહનચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થઈ જતાં ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ હતી.ત્યાર બાદ રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વિશેષ ડ્રાઈવ દરમ્યાન ટીમે સ્કૂલ વાન અને રિક્ષાને રોકી તેમની પાસે રહેલા જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો (RC બુક), સ્કૂલ તરફથી અપાયેલી પરમિટ અને મંજૂરી, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી તથા વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન કુલ 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે.તમામ વાહનોને મેમો ફટકારી 48,500ના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આગળની કાયદેસરની પ્રક્રિયા માટે વાહનચાલકોને આરટીઓ કચેરીએ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.

RTO તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે તેમજ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન હંકારતા ચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ ઝુંબેશ દ્વારા આપવામાં આવ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!