(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.જે બાદ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા પાંજરે પુરાતા લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામના એક રહેણાંક મકાનના વાડામાં દીપડો ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરું ગોઠવવાની કામગીરી હાથધરી હતી.લાંબી જહેમત અને સતર્ક કામગીરી બાદ દીપડાને સફળતાપૂર્વક પાંજરામાં પુરવામાં આવ્યો હતો.દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ભાલોદ સહિતના સીમ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની અવરજવર અને વસવાટમાં વધારો નોંધાઈ રહ્યો છે.શિકારની શોધમાં દીપડાઓ માનવ વસાહતો સુધી પહોંચી જતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે,જેના કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલ દીપડાને તંદુરસ્ત હાલતમાં કબજે લેવામાં આવ્યો છે અને જરૂરી તબીબી તપાસ બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




