ભરૂચ,
ભરૂચમાં આવેલી એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરુવારે નૂતન ગ્રામ વિદ્યાપીઠ-થવા દ્વારા શ્રમ સંયોજકની એક જગ્યા ની ભરતી માટે યોજાયેલી લેખિત પરીક્ષા ભારે હોબાળા વચ્ચે મોકૂફ રાખવાની ફરજ પડી હતી.પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય બાદ પણ ઉમેદવારોને OMR શીટ અને પ્રશ્નપત્ર ન મળતાં ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર જ વિરોધ નોંધાવતા આખરે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 130 જેટલા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હતા. જેમાંથી અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ભરૂચ આવી પહોંચ્યા હતા.ઉમેદવારોનો રિપોર્ટિંગ સમય સવારે 11થી 12 વાગ્યાનો હતો પરતુ તે પણ 12 વાગે શરૂ કર્યું હતું જ્યારે પરીક્ષા બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન યોજાવાની હતી. જોકે બપોરે દોઢ વાગ્યા સુધી પણ ઉમેદવારોને OMR શીટ કે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા નહોતા અને 1:45 વાગે પેપર આપવામાં આવવાના કારણે ઉમેદવારોમાં ગેરવ્યવસ્થા તેમજ પેપર લીક અંગેની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ અંગે ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં દૂર-દૂરથી ભારે ખર્ચ કરીને પરીક્ષા આપવા આવ્યા હોવા છતાં પરીક્ષા સંચાલકોની બેદરકારીના કારણે તેમનો કિંમતી સમય અને નાણાં બંને બરબાદ થયા છે.ઉમેદવારોએ માંગ કરી હતી કે આગામી પરીક્ષા વખતે આવવા-જવાનો ખર્ચ પણ સંચાલક મંડળે ચૂકવવો જોઈએ.
બીજી તરફ પરીક્ષા સંચાલકોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે તે માટે ત્રણ અલગ- અલગ આચાર્યો પાસેથી પ્રશ્નપત્ર તૈયાર કરાવવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે 9 વાગ્યાથી સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ઇન-હાઉસ પ્રિન્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ 102 કોલ લેટરના આધારે પ્રશ્નપત્રોની પ્રિન્ટિંગમાં સમય લાગતા પરીક્ષા શરૂ કરવામાં વિલંબ થયો હતો. ઉમેદવારોને વધારાનો સમય આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ સહમત ન થતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સંચાલકોએ પેપર લીક થયાના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ઉચ્ચ શિક્ષણ કમિશનરને મોકલવાની ખાતરી આપી હતી.
હોબાળાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.જોકે પોલીસ,સંચાલકો અને ઉમેદવારોની હાજરીમાં પ્રશ્નપત્રોને સીલ કરી તેના પર સહીઓ લેવામાં આવી હતી.જેથી કોઈ પ્રકારની ગેરરીતિ અંગે વિવાદ ન સર્જાય.સંચાલક મંડળે જાહેરાત કરી છે કે ઉમેદવારો પાસેથી વસૂલ કરાયેલી પરીક્ષા ફી પરત કરવામાં આવશે. સાથે જ નવી તારીખ જાહેર કરીને નવા પ્રશ્નપત્રો સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને ઉમેદવારોને નવા કોલ લેટર મોકલવામાં આવશે.
આ સમગ્ર ઘટનાએ ભરતી પરીક્ષાઓમાં આયોજન અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. રોજગારીની આશાએ દૂર-દૂરથી ખર્ચ કરીને પહોંચતા ઉમેદવારોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.




