ભરૂચ,
આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારી વેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાયું હતું.આમોદ તાલુકાના ઢાઢર નદી કાંઠે આવેલા આશરે સાત જેટલા ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ નારી વેલ એટલી ગીચ અને મજબૂત બની ગઈ છે કે તે નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે,જેના કારણે ભારે વરસાદ દરમ્યાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત ઉભી થઈ છે.
દાદાપોર ગામના સરપંચના જણાવ્યા મુજબ અગાઉ પણ નારી વેલના કારણે ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા.થોડા વર્ષો પહેલાં દાદાપોર ગામના લોકોએ પોતાના જીવના જોખમે નદીમાં ઉતરી નારી વેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.પરંતુ હાલમાં નદીમાં મગરોનો વસવાટ વધતા માનવબળથી આ કામગીરી કરવી જોખમી બની ગઈ છે.તેથી આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક નારી વેલ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ ગંભીર પ્રશ્ન અંગે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી,જેને લઇ નદી કાંઠાના ગામોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ચોમાસું માથે આવી ગયું હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ નિષ્ક્રિય રહેતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે નદી કાંઠાના ગામ લોકોમાં ચર્ચા જાગી છે કે જો સમયસર નારી વેલ દૂર કરવામાં નહીં આવે અને વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાશે તો ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે.
આમોદ – જંબુસર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજ પાસે ભૂતકાળમાં કંપનીના ભારદારી વાહનોને પસાર કરવા માટે મોટા મોટા પથ્થરો નાંખી તેનું પુરાણ કરવામાં આવ્યું હતું.ભારદારી વાહનોને જવા આવવા માટે કામચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જવાબદાર કંપની દ્વારા નદીની યોગ્ય સફાઈ નહીં કરતા અને નદીમાં રહેલા મોટા મોટા પથ્થરો નહીં કાઢતા નદી કુત્રિમ રીતે છીછરી બની ગઈ હતી.જેથી નદીની ભયજનક સપાટી ૧૦૨ હોવા છતાં માત્ર ૯૭ ફૂટ ઉપર પાણી પહોચતા જ આસપાસના ગામોમાં તેમજ ખેતરોમાં ઢાઢર નદીનું પાણી ઘૂસી જાય છે અને ખેડૂતો તેમજ ગામલોકોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવે છે ત્યારે તંત્ર દ્વારા કુત્રિમ રીતે છીછરી બની ગયેલ નદીને ફરીથી ઊંડી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.




