ભરૂચ,
વાલીયા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત વહીવટી મદદ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.આ આપત્તિના પગલે વાલીયા તાલુકાના કોંઢ અને સિલુડી ગામમાં અસરગ્રસ્ત થયેલા રહેણાંક મકાનો અને ઘરવખરીની નુકસાનીનો અંદાજ મેળવવા માટે વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના સીધા માર્ગદર્શન હેઠળ વાલીયા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારની દેખરેખ નીચે ખાસ સર્વે ટીમોની રચના કરવામાં આવી છે.
વાલીયા મામલતદાર જીગ્નેશ કામદાર, નાયબ મામલતદાર અને તલાટી ગ્રામસેવકની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ ટીમો દ્વારા કોંઢ અને સિલુડી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને ઘરોમાં થયેલા નુકસાન, કાચા-પાકા મકાનોની સ્થિતિ તેમજ ઘરવખરીને થયેલી નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
આપત્તિનો ભોગ બનેલા ગ્રામજનોને વહેલામાં વહેલી તકે સરકારી નિયમોનુસાર આર્થિક સહાય અને કેશડોલ્સ ચૂકવી શકાય તે માટે આ સર્વેના અહેવાલો ત્વરિત તૈયાર કરીને ઉચ્ચ કચેરીએ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપીલ કરવામાં આવી છે અને ખાતરી આપવામાં આવી છે કે મુશ્કેલીની આ ઘડીમાં સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નાગરિકોની પડખે છે, તેમજ સર્વે પૂર્ણ થતાં જ નિયમાનુસાર વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.




