– પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ નોબલ માર્કેટના ગોડાઉનમાં તપાસ : જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
ભરૂચ,
અંકલેશ્વરના નોબલ માર્કેટના ભંગરના ગોડાઉનમાં કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનો પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના આધારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ SEZ-2 ની વિવિધ કંપની માંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનો પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટ વાહન નં.જીજે 16 એવાય 8663 મારફતે અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા મુજબ દહેજ અને આસપાસની ઔદ્યોગિક વસાહતો માંથી નીકળતો કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ નિયમો મુજબ અધિકૃત ટ્રીટમેન્ટ સુવિધામાં મોકલવાના બદલે કથિત રીતે ભંગારના ગોડાઉનોમાં પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ આવા પ્લાસ્ટિકની બિનઅધિકૃત રીતે સફાઈ અને ધોવાણ કરવામાં આવે છે, જેના કારણે પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડવામાં આવતું હોવાની તેમજ કેટલાક કિસ્સાઓમાં પ્લાસ્ટિક સળગાવાતું હોવાની ફરિયાદો છે. આ પ્રવૃત્તિઓથી હવા અને પાણીના પ્રદૂષણમાં વધારો થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, વાહન સાથે રહેલા દસ્તાવેજોમાં માલનો ઉલ્લેખ અધિકૃત પેકેજિંગ/રીસાયકલિંગ એકમના નામે દર્શાવવામાં આવ્યો હતો. આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને વેસ્ટનું ગેરરીતિપૂર્વક પરિવહન થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેથી સમગ્ર વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળે યાદ અપાવ્યું કે અગાઉ આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદની તપાસ દરમિયાન પણ આ જ વિસ્તારના ગોડાઉન સાથે સંબંધિત મુદ્દો સામે આવ્યો હતો અને GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ફરી આવી પ્રવૃત્તિઓ સામે આવતાં અગાઉની કાર્યવાહી કેટલી અસરકારક રહી તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિ હરેશ પરમારે જણાવ્યું કે, “અમને મળેલી ચોક્કસ માહિતીના આધારે સ્થળની તપાસ કરતાં ગેરરીતિઓ સામે આવી હતી. ત્યારબાદ GPCBને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તંત્રે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વેસ્ટનું પરિવહન કરનાર, કરાવનાર તથા જો કોઈ જવાબદાર કંપનીઓ અથવા વ્યક્તિઓ નિયમભંગમાં સંડોવાયેલી હોવાનું બહાર આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.”
પ્રકૃતિ સુરક્ષા મંડળે માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર અસરકારક રોક લાગી શકે.




