ભરૂચ કલેક્ટર કચેરીએ રામધૂન સાથે આપ નું વિરોધ પ્રદર્શન

SHARE:

– ચૈતર વસાવા સહિત હોદ્દેદારો સામેના કેસોને રાજકીય પ્રેરિત ગણાવી આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ,

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.આ દરમ્યાન કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આપ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનો સામે નોંધાયેલા કેસોની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે.સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને એ વાત ખૂંચે છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને કામદારોના શોષણ વિરુદ્ધ મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે. અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈને સનદની જમીનના એક સામાન્ય પ્રશ્નમાં સાત વર્ષ જેટલી સજા ફટકારી દેવાઈ અને અન્ય આગેવાનોને સામાન્ય કેસોમાં પણ જામીન આપવામાં આવતા નથી. બીજી તરફ, જે રોશન વસાવાએ કંપનીના ગેટમાં ગેરકાયદેસર પ્રવેશીને ચૈતરભાઈ સાથે અભદ્ર વર્તન કર્યું, લાકડી ઉછાળી, તેની સામે પોલીસે હજુ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી. તેમજ જે કંપનીમાં બોઇલર ફાટ્યો તેની સામે પણ આજ દિન સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. શું ભરૂચમાં લોકતંત્ર અને સંવિધાન જેવું કંઈ બચ્યું જ નથી? જે લોકો જનતાના પ્રશ્નો ઉઠાવે છે તેમને ખોટા કેસો કરીને જેલમાં ધકેલી દેવાય છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને ન્યાય નહીં મળે, તો અમે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભાજપ સરકાર વિરુદ્ધ આનાથી પણ મોટા અને જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ.

આપ અગ્રણીઓ દ્વારા જો ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!