દહેજ જીઆઈડીસીની કેતુલ કેમ કંપનીમાં પ્રોડક્ટ ટ્રાયલ દરમ્યાન ભીષણ આગથી બીજો માળ બળીને ખાખ

SHARE:

– સોલ્વન્ટ નાંખ્યા બાદ તાપમાન વધી જતા આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ 

– બીજા માળે લાગેલી આગના પગલે પ્લાન્ટ બળીને ખાખ : કોઈ જાનહાની નહીં 

– ઈન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે બંધ કરવાની નોટીસ આપી 

ભરૂચ,

દહેજ જીઆઈડીસીમાં આવેલી કેતુલ કેમ કંપનીમાં પ્રોડક્ટ ટ્રાયલ દરમ્યાન ભીષણ આગ લાગતા કામદારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે તેની અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતી હતી.જેના કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો હતો.

ભરૂચ જીલ્લાની દહેજ જીઆઈડીસીના પ્લોટ નંબર 132 માં કાર્યરત કેતુલ કેમ કંપનીના બીજા માળે નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી હતી.આ દરમ્યાન સોલ્વન્ટ નાંખ્યા બાદ ટેમ્પરેચર વધી જતા ધૂમડા નીકળતા હાજર કામદારોમાં નાસભાગ મચી હતી અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠતા સોલ્વન્ટના જથ્થામાં આગ પ્રસારતા ધૂમડાના ગોટે ગોટા ઉડ્યા હતા.આગ ઝડપથી ફેલાતા કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ત્રણ ફાયર ફાઈટર ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણી તથા ફોમનો મારો ચલાવ્યો હતો.જોકે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવવામાં સફળતા મળી હતી.આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઘટના સ્થળે પહોંચી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ,પોલીસ,બોઈલર ઈન્સ્પેકટર,જીપીસીબી સહિતના વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના દિનેશ ગામીતે જણાવ્યું હતું કે કંપની ફાર્મા ને લગતી પ્રોડક્ટ બનાવવા માટે ઈન્ડીમેડીએટ માટે બીજા માળે કામગીરી કરી રહી હતી સોલ્વન્ટ નાંખ્યા બાદ ટેમ્પરેચર વધી જતા નીચે પડતા નજીકમાં ઈલેક્ટ્રિકલ પેનલ હોય અને રીએકટર પણ ખુલ્લું હોવાના કારણે આગ લાગી હોઈ શકે છે. નજીકમાં કામ કરતા કામદારો આગના પગલે સુરક્ષિત રીતે ખસી ગયા હતા.જેથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ બીજા માળનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો છે. કંપનીને બંધ કરવા વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે અને સૂચનો કર્યા બાદ કંપની પુનઃ કાર્યરત કરી શકશે.હાલ તો આગ ક્યાં કારણોસર લાગી તે દિશામાં તમામ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દહેજમાં કેમિકલ કંપનીઓ ધમધમી રહી છે જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!