ભરૂચ,
વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી SRF કંપની ફરી એકવાર પ્રદૂષણના મુદ્દે વિવાદોના કેન્દ્રમાં આવી છે. જેને પગલે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, કંપનીની હદમાંથી પસાર થતા નાળા અને ડ્રેનેજ વિસ્તારમાં કાળા રંગનું શંકાસ્પદ પ્રવાહી પાણીમાં છોડવામાં આવી રહ્યું હોવાની બૂમો ઉઠવા પામી છે.આ ચોંકાવનારી ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સત્તાવાળાઓએ સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને પાણીના સેમ્પલ એકત્રિત કર્યા છે અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.જો કે આ પ્રવાહી ચોક્કસપણે SRF કંપની દ્વારા જ છોડવામાં આવ્યું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ શકી નથી અને સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે.
ભારે ઔદ્યોગિકીકરણ ધરાવતા દહેજ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો કોઈ નવો નથી, પરંતુ આ વખતે વહી રહેલું પાણી સામાન્ય કરતાં તદ્દન અલગ અને ઘાટું કાળું દેખાતું હોવાથી લોકોમાં વ્યાપક ભય છે.સ્થાનિકોનું માનવું છે કે જો આ પાણીમાં કેમિકલ અથવા ઝેરી પ્રદૂષક તત્ત્વો હાજર હશે, તો તેની સીધી અને ઘાતક અસર આસપાસની જમીન, ભૂગર્ભ જળ, ખેતી, પશુધન અને માનવ આરોગ્ય પર પડી શકે છે.આ મામલે લોકોએ તીખા સવાલો ઉઠાવ્યા છે કે જો કંપની પાસે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સવલતો કાર્યરત છે, તો પછી આવું પ્રદૂષિત પાણી બહાર કેવી રીતે આવ્યું? વિકાસના નામે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથેની છેડછાડ સ્વીકાર્ય નથી તેવી લાગણી સાથે રહીશોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. હાલમાં સમગ્ર દહેજ પંથકની નજર GPCBના આગામી લેબોરેટરી રિપોર્ટ પર મંડાયેલી છે.સ્થાનિક લોકોની પ્રબળ માંગ છે કે તપાસનો અહેવાલ જાહેર કરવામાં આવે અને જો કંપની દોષિત સાબિત થાય, તો માત્ર ઔપચારિક નોટિસ આપીને મામલો થાળે પાડવાને બદલે જવાબદારો સામે કડક કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સતત મોનિટરિંગની ચોક્કસ વ્યવસ્થા ગોઠવવાની માંગ પણ જોર પકડી રહી છે.




