સાયખાની હેમાની કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ : કેમિકલયુક્ત પ્રદૂષણથી કપાસ અને મગનો પાક બળીને ખાખ થતા રજૂઆત

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી હેમાની કંપની સામે પ્રદૂષણના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારણ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા કપાસ અને મગના પાક કંપનીમાંથી ફેલાતા પ્રદૂષણને કારણે બળીને નષ્ટ થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ પ્રદૂષણને કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમને ભારે આર્થિક નુકસાન થયું છે.માત્ર ખેતીના પાકને જ નહીં, પરંતુ આસપાસના વૃક્ષો, વનસ્પતિ અને સમગ્ર પર્યાવરણને પણ કંપનીના પ્રદૂષણથી ગંભીર અસર પહોંચી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.ખેતી અને પર્યાવરણ બંને જોખમમાં મુકાતા આક્રોશિત ખેડૂતો મોટી સંખ્યામાં કંપનીના મુખ્ય ગેટ પર પહોંચ્યા હતા. તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક પ્રદૂષણ બંધ કરવાની માંગ કરી હતી. આ મામલે સારણ ગ્રામ પંચાયતના લેટરહેડ પર કંપનીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતો અને ગ્રામજનોએ વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ કરી છે.તેમણે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પ્રદૂષણના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરી છે.

હવા અને જમીનના નમૂનાઓની ચકાસણી કરીને પ્રદૂષણ માટે જવાબદાર તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની અપેક્ષા છે. જો તપાસમાં કંપનીના કારણે નુકસાન સાબિત થાય, તો દંડાત્મક પગલાં ભરવા અને ખેડૂતોને યોગ્ય વળતર અપાવવાની કાર્યવાહી થવી જોઈએ.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!