– નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી વિરોધના પગલે પોલીસ કાફલો ખડકાયો
– પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કુચનો પ્રયાસ કરતા પોલીસે અટકાવી અટકાયત કરી
ભરૂચ,
ભરૂચમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
દરમ્યાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, પોલીસે કૂચને અટકાવી દીધી હતી.વિરોધના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. પીઆઈ,પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરી વચ્ચે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.




