– તૂટેલી ચિતા સગડીઓ,પાણીની વ્યવસ્થાનો અભાવ અને જર્જરિત શેડથી વરસાદી મોસમમાં વધતી મુશ્કેલી : તંત્ર સમક્ષ સુવિધાઓ ઊભી કરવાની માંગ ઉગ્ર બની
ભરૂચ,
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના લોકોને અંતિમવિધિ દરમ્યાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આશરે 50 હજારથી વધુ વસ્તી આ સ્મશાનગૃહ પર નિર્ભર હોવા છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
સ્થળની મુલાકાત દરમ્યાન સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી.જેના કારણે અંતિમવિધિ દરમ્યાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વર્ષોથી યોગ્ય મરામત ન થતાં સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગલાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.
સ્મશાનગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી.પરિણામે અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીક ના નદી કિનારે થી લાવવું પડે છે.શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહે છે.
સ્મશાનગૃહ ઉપર બનાવવામાં આવેલું શેડ પણ જર્જરિત હાલતમાં છે.અનેક જગ્યાએ પતરાં તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે.આવી સ્થિતિમાં મૃતદેહ, ચિતા માટેના લાકડા તેમજ અંતિમવિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી. ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સ્મશાનગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે.આટલા મોટા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં સ્મશાનગૃહમાં મજબૂત ચિતામંચ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, વરસાદથી રક્ષણ આપે તેવું નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની જરૂરિયાત છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને સ્મશાનગૃહની હાલતનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામત તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો કરવો ન પડે તે માટે તંત્રએ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી બની છે.




