શહેરાના નાદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં મહિલાનું કરુણ મોત : અન્ય એક ગંભીર

SHARE:

– બામણીયા ફળિયામાં શોકનું મોજું

(ગણપત મકવાણા,પંચમહાલ)

​પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે ચોમાસાની સિઝન વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.નાદરવા ગામના બામણીયા ફળિયામાં ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી બે મહિલાઓ પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે,જયારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

​​મળતી માહિતી મુજબ નાદરવા ગામના બામણીયા ફળિયામાં ચોમાસાના સતત વરસાદ અને મેઘગર્જના વચ્ચે ખેતરમાં ડાંગરની રોપણીનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન અચાનક ભારે કડાકા- ભડાકા સાથે આકાશી વીજળી ખાબકી હતી.ખેતરમાં કામ કરી રહેલી બે મહિલાઓ વીજળીની ઝપેટમાં આવી ગઈ હતી.જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ ત્રાસદાયક મોત નીપજ્યું હતું.દુર્ઘટના બનતા જ આસપાસના ખેતરોમાંથી લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા.બીજી ગંભીર રીતે દાઝેલી મહિલાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.અકાળે બનેલી આ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર નાદરવા ગામ સહિત બામણીયા ફળિયામાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.ગાજવીજ સમયે ખુલ્લા ખેતરોમાં જવાનું ટાળો ચોમાસાની ઋતુમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સમયે ખુલ્લા ખેતરોમાં કામ કરવું અત્યંત જોખમી સાબિત થાય છે.હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખરાબ વાતાવરણ અને ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરો કે વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળવું તેમજ સુરક્ષિત સ્થળે આશ્રય લેવો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!