ભરૂચની પશ્ચિમ વિસ્તારમાં આવેલી 7 થી 8 સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ઘરોમાં રહેવા મજબુર બન્યા

SHARE:

– કૌશર પાર્ક,અલીફ પાર્ક,સહારા પાર્ક,ખ્વાજા ટાઉનશીપ સહિતની સોસાયટી પાણીમાં ગરકાવ

– કાયમી સમસ્યાનો ઉકેલ પાવવા વિપક્ષી નગર સેવકો નિષ્ફળ : વહીવટી તંત્ર પાસે સ્થાનિકોની તાત્કાલિક અને કાયમી સમસ્યા ઉકેલવાની માંગ

ભરૂચ,

ભરૂચ શહેરમાં બીજા દિવસે સતત વરસી રહેલા વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઘરોની બહાર તેમજ આંતરિક માર્ગો પર પાણી ભરાઈ જતાં દૈનિક જનજીવન પ્રભાવિત બન્યું છે.વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે,જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે દર ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી નિકાલ કરાવવામાં વિપક્ષી નગર સેવકો પણ નિષ્ફળ નીવડ્યા છે.

સ્થાનિક કોર્પોરેટરોએ આ સમગ્ર પરિસ્થિતિ માટે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી ચાલી રહેલા રોડના કામને જવાબદાર ઠેરવ્યું છે. તેમના જણાવ્યા મુજબ રોડનું નિર્માણ કાર્ય તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી ગટર અથવા ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી જતાં પાણી સીધું સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે.

સ્થાનિક રહિશોનું કહેવું છે કે વરસાદ પડતાં જ દર વખતે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે,છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પરિસ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબી મશીન મંગાવી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાવી હતી.રસ્તાની બાજુમાં માટી અને અવરોધ દૂર કરીને પાણી બહાર નીકળી શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું.સ્થાનિકોએ માંગ કરી છે કે માત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. શ્રવણ ચોકડીથી બાયપાસ સુધીના રોડની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને ફરી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.હાલ સમગ્ર મામલે લોકોની નજર જવાબદાર વિભાગ પર ટકેલી છે કે તંત્ર માત્ર તાત્કાલિક કાર્યવાહી સુધી મર્યાદિત રહેશે કે પછી કાયમી ઉકેલ લાવી પશ્ચિમ વિસ્તારના રહિશોને વરસાદી પાણીના ભરાવાથી રાહત અપાવશે.અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વરસાદમાં સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સત્તાપક્ષ અને તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા સમસ્યા યથાવત રહેતી હોય છે.પરંતુ સ્થાનિક નગર સેવકો પણ માત્ર દેખાવ પૂરતી રજુઆત અને વિરોધ કરે છે પરંતુ કાયમી નિરાકરણ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!