જંબુસરના કલક ગામની નવીનગરીમાં વરસાદી પાણી ભરાતા ટીડીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ સ્થિત નવીનગરીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નવીનગરીમાં આવેલા અંદાજે ૬૦થી વધુ મકાનો સુધી વરસાદી પાણી પહોંચી જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.નવીનગરીમાં પાણી ભરાયાની જાણ થતાં જ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.સ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કલક ગામના સરપંચ ઈન્દ્રવદન લીંબાચીયા તથા તલાટીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.સાથે જ જો પરિસ્થિતિ વધુ ગંભીર બને અને જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની તૈયારીઓ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!