– સભાસદોની હાજરીમાં નિવૃત્ત શિક્ષકો અને તેજસ્વી તારલાઓનું સન્માન
(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 95મી વાર્ષિક સાધારણ સભા જંબુસર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાઈ હતી.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, સોસાયટીના ચેરમેન દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત હાજી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતની સુંદર રજૂઆત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સોસાયટીના 445 સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી 95મી વાર્ષિક સાધારણ સભામાં કુલ આઠ એજન્ડાના મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 13 નિવૃત્ત શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ (તેજસ્વી તારલાઓ)નું પુષ્પગુચ્છ,શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.સોસાયટીના સેક્રેટરી રાહુલભાઈ મોરીએ વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું હતું.
ચેરમેન દિનેશભાઈ મકવાણાએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં સોસાયટીની પ્રગતિ,વિકાસયાત્રા અને નાણાકીય કામગીરીનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો.તેમણે વર્ષ 2017માં કાર્યભાર સંભાળ્યા બાદ થયેલા વિકાસ અને સભાસદોને મળતા લાભોની માહિતી આપી લેખાજોખા રજૂ કર્યા હતા.
ઉપસ્થિત મહેમાનોએ સોસાયટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતા પારદર્શક અને જવાબદાર વહીવટની પ્રશંસા કરી હતી.સાથે જ રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા કરવામાં આવતા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે, “સાધુ અને શિક્ષક સમાજના સાચા રક્ષક છે.તેઓ આવનારી પેઢીને ઘડવાનું પવિત્ર કાર્ય કરે છે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તેમનું વિશેષ યોગદાન છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ભગવાન અને વડીલોના આશીર્વાદ જેને પ્રાપ્ત હોય તે જ સાધુ અને શિક્ષક બની શકે.ક્રેડિટ સોસાયટી જેટલી મજબૂત બનશે, તેટલો સમાજ પણ વધુ મજબૂત બનશે.”
સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સભાસદોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે બીઆરસી અશ્વિનભાઈ પઢીયાર, વ્યવસ્થાપક કમિટી સભ્યો, આસિસ્ટન્ટ સેક્રેટરી ભઈલાલભાઈ માછી સહિત મોટી સંખ્યામાં સભાસદ ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.




