– ગુરૂ વિશે દૃઢ આત્મબુદ્ધિ એ જ આત્મદર્શનનું સાધન”
ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રતિક સભા નિમિત્તે જંબુસરમાં યોજાયેલી ભવ્ય સત્સંગ સભામાં પૂ. ભગવતપ્રસાદ સ્વામીનું પ્રેરક ઉદ્દબોધન
(સંજય પટેલ,જંબુસર)
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, જંબુસર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલી પ્રતિક સભા ભક્તિ, શ્રદ્ધા અને ગુરૂમહિમાના અલૌકિક વાતાવરણ વચ્ચે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી.
ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રતિક સભામાં મુખ્ય વક્તા પૂજ્ય ભગવતપ્રસાદ સ્વામીએ ગુરુના મહિમાનું અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ કરતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને જીવનમાં ગુરુની જરૂર છે ગુરુની વાત ભાગવતમાં લખી છે તેમ કહી ગુરુનો મહિમા વેદવ્યાસ દ્વારા સમજાવવામાં આવ્યો તેની સવિસ્તાર માહિતી આપી “જે જીવને જન્મ-મરણના અનંત ચક્રમાંથી મુક્ત કરી અક્ષરધામના માર્ગે દોરી જાય તે જ સાચા અર્થમાં ગુરુ કહેવાય.” તેમણે ગુણાતીત ગુરુપરંપરાનો મહિમા ગાતાં યોગીજી મહારાજના જીવનમાંથી અનેક પ્રેરણાદાયી પ્રસંગો અને દૃષ્ટાંતો રજૂ કર્યા હતા.ગુરુ પ્રત્યે અખંડ શ્રદ્ધા, આત્મબુદ્ધિ, આજ્ઞાપાલન અને સમર્પણના ગુણોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુરુના આશ્રય વિના જીવનનું સાચું કલ્યાણ શક્ય નથી અને ગુરુના માર્ગદર્શનથી જ જીવનમાં આધ્યાત્મિક શાંતિ,ભગવાનની પ્રાપ્તિ તથા મોક્ષનો માર્ગ સુલભ બને છે.
પૂજ્ય ભગવતપ્રસાદ સ્વામીએ પોતાના હૃદયસ્પર્શી આશીર્વચનમાં ગુરૂપ્રત્યેની દૃઢ આત્મબુદ્ધિ, અખંડ પ્રીતિ અને ભગવાન પ્રત્યેની અડગ નિષ્ઠાનું મહત્વ સમજાવ્યું.તેમણે જણાવ્યું કે, ગુરૂ વિશે દૃઢ આત્મબુદ્ધિ એ જ આત્મદર્શનનું સાધન છે અને ગુરૂ પ્રત્યેની દૃઢ પ્રીતિ એ જ ભગવાનના સાક્ષાત્કારનું સાધન છે.” તેમ જણાવી અનેક દ્રષ્ટાંતો સાથે પ્રસંગો જણાવ્યા હતા.અનંત જીવોના કલ્યાણનો કાર્ય સત્પુરુષ સંતો દ્વારા કરાય છે તેમ કહી સંતના લક્ષણો જણાવ્યા હતા.સતપુરુષ ને ભગવાન ક્યારેય ગૌણ થતા નથી ગુણાતીત ગુરુમાં ભગવાન પ્રત્યેનો સાક્ષાત ભાવ કેવો છે તે અંગે પ્રસંગોચિત સમજાવ્યું હતું.
ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રતિક સભામાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, નગરપાલિકાના સદસ્યો, જંબુસર તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો, આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.




