ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓમાં નારાજગી

SHARE:

– તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી 

ભરૂચ,

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પવિત્ર નર્મદા તટ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં, પરંતુ અન્ય અલગ અલગ રાજ્યો માંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે,ત્યારે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ ભરૂચના નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા.જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

​છેલ્લા કેટલાક મહિનાઓથી ભરૂચના ઝાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે.જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે.સોમવારે જ્યારે કાવડયાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું નહોતું જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી.

​ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડયાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ લોક માંગ કરવામાં આવી છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી નર્મદા નદીના નીર સુધી સરળતાથી શ્રદ્ધાળુઓ પહોંચી શકે અને સ્નાન કરી મહાદેવની ભક્તિ કરી શકે.કાવડયાત્રીઓ પણ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રા નિર્વિઘ્ન શરૂ કરી શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!