ગાંધીનગર,
જૂના અને કાચા ઘરોની દીવાલોની તિરાડો, ગંદકી જેવી સ્થિતિમાં પેદા થતી સેન્ડફ્લાય માખીના કારણે પ્રસરતા ચાંદીપુરા વાયરસના પોઝિટિવ અને શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણના ગ્રામીણ વિસ્તારોમાંથી સમયાંતરે નવા કેસો મળી રહ્યા હોવાથી આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે. બીજી તરફ સોમવારે અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના એક ૭ વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત નિપજ્યું છે. આ સાથે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં આ વાયરસથી ગ્રસ્ત કુલ ત્રણ બાળકોના મૃત્યુ થયા છે.
આ સાથે પાટણ જિલ્લાના સંખારી ગામની ૭ વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ધારપુરની સિવિલ હોસ્પિટલમાં તેની તત્કાળ સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫ ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી ૨૨ બાળકોના મૃત્યુ થયા છે.
હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. જેને ધ્યાને રાખીને તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાયરસ માટેની રસી અને અસરકારક દવાની શોધ માટે સઘન સંશોધન કરવામાં આવી રહ્યું છે. આઇસીએમઆરની ટીમ હાલ આ દિશામાં કામ કરી રહી છે, તેમ કહી આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામમાંથી જ તમામ કેસ નોંધાયા નથી, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે. તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા આઈસીયુ બેડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવી, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.




